Isaiah 13

1આમોસના પુત્ર યશાયાને બાબિલ વિશે જે ઈશ્વરવાણી મળી તે.

2ખુલ્લા પર્વત પર ધ્વજા ઊંચી કરો, તેઓને મોટે અવાજે હાંક મારો,
હાથના ઈશારા કરો કે તેઓ ઉમરાવોની ભાગળોમાં પેસે.
3મેં મારા પવિત્ર કરાયેલાઓને આજ્ઞા આપી છે,
હા, મેં મારા શૂરવીરોને પણ, એટલે બડાઈ મારનારા અભિમાનીઓને મારા રોષને લીધે બોલાવ્યા છે.

4ઘણા લોકોની જેમ, પર્વતોમાં સમુદાયનો અવાજ!

એક સાથે એકત્ર થયેલાં ઘણા રાજ્યોના શોરબકોર નો અવાજ!
સૈન્યોના યહોવાહ યુદ્ધને માટે સૈન્યને તૈયાર કરે છે.
5તેઓ દૂર દેશથી, ક્ષિતિજને પેલે પારથી આવે છે.
યહોવાહ પોતાના ન્યાયનાં શસ્ત્ર સાથે, આખા દેશનો વિનાશ કરવાને આવે છે.

6વિલાપ કરો, કેમ કે યહોવાહનો દિવસ પાસે છે; તે સર્વસમર્થ પાસેથી સંહારરૂપે આવશે.

7તેથી સર્વના હાથ ઢીલા પડશે અને સર્વ હૃદય પીગળી જશે;
8તેઓ ગભરાશે; પ્રસૂતાની જેમ તેઓ પર દુ:ખ તથા સંકટ આવી પડશે.
તેઓ એકબીજા સામે આશ્ચર્યથી જોયા કરશે; તેઓનાં મુખ જ્વાળાના મુખ જેવાં થશે.

9જુઓ, યહોવાહનો દિવસ આવે છે, તે પીડા, કોપ અને ઉગ્ર ક્રોધ સહિત

દેશને ઉજ્જડ કરવાને તેમાંથી પાપીઓનો વિનાશ કરવા માટે આવે છે.
10આકાશના તારાઓ અને તારામંડળો તેમનો પ્રકાશ આપશે નહિ.
સૂર્ય ઊગતાં જ અંધારાશે અને ચંદ્રનો પ્રકાશ પડશે નહિ.

11હું જગતને તેની દુષ્ટતાને લીધે તથા દુષ્ટોને તેઓના અપરાધને લીધે સજા કરીશ.

હું ગર્વિષ્ઠ વ્યકિતઓનું અભિમાન તોડીશ અને જુલમીઓનો ગર્વ ઉતારીશ.
12ચોખ્ખા સોના કરતાં માણસને દુર્લભ અને ઓફીરના ચોખ્ખા સોના કરતાં માનવજાતને શોધવી વધુ મુશ્કેલ કરીશ.

13તેથી હું આકાશોને ધ્રૂજાવીશ અને પૃથ્વીને તેના સ્થાનેથી હલાવી દેવાશે,

સૈન્યોના યહોવાહના કોપથી તેમના રોષને દિવસે એમ થશે.
14નસાડેલા હરણની જેમ અને પાળક વગરના ઘેટાંની જેમ,
દરેક માણસ પોતાના લોકોની તરફ વળશે અને પોતપોતાના દેશમાં નાસી જશે.

15મળી આવેલા સર્વને મારી નાખવામાં આવશે અને સર્વ પકડાયેલા તરવારથી મારી નંખાશે.

16તેઓની આંખો આગળ તેઓનાં બાળકોને પછાડીને ટુકડેટુકડા કરવામાં આવશે.
તેઓનાં ઘરો લૂંટી લેવામાં આવશે અને તેઓની પત્નીઓની આબરુ લેવાશે.

17જુઓ, હું માદીઓને તેઓની સામે લડવાને ઉશ્કેરીશ,

તેઓ ચાંદીને ગણકારશે નહિ અને સોનાથી ખુશ થશે નહિ.
18તેઓનાં તીરો જુવાનોના ટુકડેટુકડા કરી નાખશે.
તેઓ નવજાત બાળકો પર દયા રાખશે નહિ અને છોકરાઓને છોડશે નહિ.

19અને બાબિલ, જે સર્વ રાજ્યોમાં પ્રશંસાપાત્ર છે, ખાલદીઓનું ઉત્તમ સૌંદર્ય,

તે સદોમ અને ગમોરા જેઓને ઈશ્વરે પાયમાલ કરી નાખ્યા તેઓના જેવું થશે.
20તેમાં ફરી કદી વસ્તી થશે નહિ, તેમાં પેઢી દરપેઢી કોઈ વસશે નહિ.
આરબ લોકો ત્યાં પોતાનો તંબુ બાંધશે નહિ, કે ભરવાડો પોતાનાં ટોળાને ત્યાં બેસાડશે નહિ.

21પણ રણના જંગલી પ્રાણીઓ ત્યાં સૂઈ જશે. તેઓનાં ઘર ઘુવડોથી ભરપૂર થશે;

અને શાહમૃગ તથા રાની બકરાં ત્યાં કૂદશે.
વરુઓ તેઓના કિલ્લાઓમાં અને શિયાળો તેઓના સુંદર મહેલોમાં ભોંકશે. તેનો સમય પાસે આવે છે અને હવે તે વધારે દિવસ સુધી ટકશે નહિ.
22

Copyright information for GujULB